Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Feeds:
Posts
Comments

IMG_0291

ગયા ૪૦ વર્ષો અમેરિકામાં સેલ્સ અને માર્કેટીંગમાં વિતાવ્યા પછી જીવનનું નવું પર્વ એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ.

મારા વાંચવાના વ્યાસંગમાં પરિપૂર્ણ મગ્ન છું અને એમાંથી જ કાવ્યો
રચવાની ની પ્રેરણા મળી. મને લખવામાં જેટલો આનંદ મળે છે
એટલોજ તમને આ બ્લોગ વાંચવાનો આનંદ મળશે એ આશા સાથે
સહુને મારું હાર્દિક આમંત્રણ.
“પોસ્ટ” વિભાગમાં મારી રચનાઓ આ બ્લોગની જમણી બાજુમાં તમે માણી
શકશો અને અપેક્ષા છે કે તમારા અભિપ્રાયો પણ અપાતા રહેશો. 
મારી લખેલી બે પંક્તિઓ મુકું છું.

પંખી અને કવિ ઉડે બંને

એક પાંખથી બીજો આંખથી

ધન્યવાદ,

વિજય જોશી ‘શબ્દનાદ’

——————————————————————–

—  પતંગ —

મને પેલી પતંગની બહુ ઈર્ષા આવે છે. 

દોરાના બંધનમાં હોય  કે  બંધનમાંથી મુક્ત હોય,

તદ્દન નિશ્ચિંત થઇ,  

જુઓ કેવી પવન સાથે નિર્બંધ પ્રણય નૃત્યમાં મગ્ન છે.

 

તકદીરની દોરીના બંધનની ચિંતા છોડો. 

પતંગ બનો, જીવનનો આનંદ ઉજવો.

———————————
વિતાવ્યું જીવન આખું 

સિગરેટ ફૂંકવામાં.

મારી છેલ્લી સિગારેટ

વિલીન થઇ છે હવે,

ચિતામાં બળતા 

મારા રોગગ્રસ્ત શરીરની 

રાખના ઢગલામાં. 

—————————–

આ શિયાળાની 

પ્રખર ઠંડીમાં,  

વસંતના આગમનની 

અને 

દરિયાના મિલનની

અધીરાઈથી રાહ જોતું 

નદીનું પાણી, 

આતુરતાથી રાહ જોતું  

બરફ બની 

ધ્રુજતું બેઠું હતું.

Advertisements

બે નવા અછાંદસ

ટપક્યું,
રાતનું અધૂરું સપનું,
બની આંસુ,
નિરાશાના!

 ટપક્યું
માતાનું અભિમાન,
બની
આંસુ,
ગર્વના! 

ટપક્યું,
દર્દ દિલનું,
બની
આંસુ,
વિયોગના! 

ટપક્યું
મૃત્યુ દેહનું,
બની આંસુ,
આપ્તજનોના!

————————————————-

શિયાળાની કડકડતી ઠંડીમાં,

બપોરના તડકા સાથેના

દ્વંદ્વ યુદ્ધમાં,

એક પથરાને વળગેલો,

થીજેલો બરફ,

થાકીને,

પરસેવે રેબઝેબ થઇ,

હારીને હેઠો પડ્યો!

———————————————————-

અછાંદસ કાવ્ય

——————————————————

    – યેશુ

યેશુ ક્રીસ્તે ભક્તજનોને કહ્યું,

સદિયોથી

ક્રોસ ઉપર લટકું છું

માનવ જાતને બચાવવા.

થાકી ગયો છું ,

માણસાઈ બતાવો,

નીચે ઉતારો મને!

——————————————————–

ચિતા

અગ્નિદાહ આપી તને,

જોયું મેં પાછું વળી,

શરીર એકલું

ચાલતુંતું મારું,

પ્રાણ  મારો

ચિતામાં છોડી!

————————————————————–

નિરર્થક

સફર કરી

ઘોડિયાથી

કબર સુધી,

પાડ્યા વગર

પગલાંની

છાપ!

અછાંદસ

જન્મ આપી

પ્રભાતને,

વિલીન થઇ

નિષા ઉજાસમાં………

જન્મ આપી

વર્ષાને,

વિલીન થયું

વાદળું

ગગનમાં………

જન્મ આપી

આંસુને,

વિલીન થયું

દર્દ,

હૃદયમાં……..

જન્મ આપી

પ્રભાતને,

વિલીન થઇ

નિષા,

ઉજાસમાં…….

જન્મ આપી

ભીષ્મને

વિલીન થઇ

ગંગા,

સ્વતઃ માં…….

————–

———————–

એક કોરો કાગળ

મુસલમાન લખે,

કુરાન બને,

ફક્ત એને જ સત્ય ગણે.

ખ્રિસ્તી લખે,

બાઈબલ બને,

ફક્ત એને જ સત્ય ગણે.

હિંદુ લખે,

ગીતા બને,

ફક્ત એને જ સત્ય ગણે

દુનિયાને ધર્મયુદ્ધથી બચાવો,

રહેવા દ્યો, કાગળને,

એક કોરો કાગળ.

— સુરજ —

તપેલો થાકેલો સુરજ, 

સાંજે દરિયામાં સ્નાન કરી,

રાત્રે ક્ષિતિજ-ગૃહની શૈયામાં નિદ્રાધીન થયો. 

બીજા દિવસના પરોઢિયે,  

દરિયામાં સ્નાન કરી, 

તાજો નવોદિત સુરજ,

ક્ષિતીજ-ગૃહની બહાર આવી,

ફરી પાછો

ફરજ બજાવવા,
હાજર થયો.

——————————————————

– — સૂર્યાસ્ત —

આખા દિવસનો થાક્યો પાક્યો

સૂરજ
ઘેર આવેલો જોઇને, 

ક્ષિતીજ-ગૃહમાંથી

સ્વાગત કરવા 

શરમાતી દોડતી આવી

સંધ્યા. 

— ન માનશો —

એકલો છું એટલે
મિત્રો નથી, એમ ન માનશો

હસું છું એટલે
દુખી નથી,એમ ન માનશો

આંધળો છું એટલે
જોતો નથી, એમ ન માનશો

ગેરહાજર છું એટલે
અહિ નથી, એમ ન માનશો

શ્વાસ લઉં છું એટલે
જીવતો છું, એમ ન માનશો.

—- લગ્ન —– અછાંદસ

—-  લગ્ન —–

માં-બાપે કહ્યું,

લગ્ન કર્યું,

રહ્યા સાથે,

પણ જુદા જીવનભર,

ક્યાંથી પડે મેળ?

પાણીમાં તેલ!